જેભ (Bismillah)
બિસ્મીલ્લાહ (જેભ) ગર્ભવતી કન્યાને બાળક જન્મે તે અગાઉ ગર્ભિત શીશું ના માતા-પિતા કે દાદા દાદી એવી માનતા કરતા હોય છે કે અમારું બાળક તંદુરસ્ત રહી ચાર વર્ષ ચાર મહિના ચાર દિવસનું થશે તો અમો એક ધાર્મિક વિધિથી તેને કલામ (મંત્રો ચાર) પઢાવી બાળકને સાચા અર્થમાં મોમીન અથવા મોમેના કરી અલ્લાહનો શુક્ર અદા કરવા એક ખુશાલીનો પ્રસગ યોજીશું અને એ પ્રમાણે અલ્લાહ્તાલા ની મહેરબાની થી બાળક અવતરીને નિર્ધારિત મુદતનું થાય એટલે અને કેટલીક વખતે જન્મેલ બાળક બીમાર રહેતું હોય તો પણ આવી માનતા કરતા હોય છે. જન્મ તારીખથી ઉપર મુજબની નિર્ધારિત મુદતનું થાય ત્યારે આ પ્રસંગ યોજાય છે. પ્રસગને દિવસે બાળકના મોસાળ પક્ષથી બાળક અને તેની માતાના માટે કપડાનો જોડો, બાળકના પિતા માટે સાલ, બાળકની દાદી માટે સાડલો, દાદા માટે ખેસ (ખભે નાખવામાં આવતું સફેદ કાપડ) વગેરે લઇ સવારે વહેલા ચાર થી પાંચ વાગ્યાના સમયે જમાઈના ઘરે જાય છે. તે વખતે અંગત સગાવ્હાલાં ઓ ની હાજરીમાં બાળકને અલ્લાહના કલામ (ધાર્મિક મંત્રોચ્ચાર) પઢાવી બીશ્મીલ્લાહની વિધિ પૂરી કરી ઉપર મુજબ લાવેલ ઓઢામણાં, ચીજભાવ અને સાથે કેટલીક રોકડ રકમ જમાઈને અર્પણ કરી બંને પક્ષો એકબીજાને સહર્ષ ભેટી વીખરાય છે. ત્યાર બાદ રાત્રી ના સમયે એક ખુસીના પ્રસંગનો મેળાવડો આખા સમાજને નોતરીને યોજાય છે. જેમાં જાત જાત ના ફાળો, સુકામેવા, મીઠાઇઓ, દૂધ શરબત, જવારની ધાણી અને હેસીયત મુજબ એથી પણ વધુ ખાધચીજો નિયાજ (પ્રસાદ) રૂપે વહેચવામાં આવે છે. બાળકો માટે રોકડા રૂપિયાના સિક્કા ઉછાળવામાં આવે છે. કેટલાક લોકો તારીફો (વખાણના ગીતો) કે શેરશાયરી કહી આખા પ્રસંગને ઉલ્લાસ સાથે મનાવવામો આવે છે. કેટલીક વખતે કોઈ સાહેબે હૈસિયત વાળી આસામી બીજા દિવસે તે પ્રસંગની ખુશીમાં જમણવાર પણ કરે છે.